September 18, 2021
September 18, 2021

કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી યેદિયુરપ્પાનું આખરે રાજીનામું

આજે યેદિયુરપ્પા સરકારના બે વર્ષ પૂર્ણ થયા

કર્ણાટકના નેતૃત્વમાં થનારા ફેરફારો અંગે આજે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. કર્ણાટકના બી.એસ. યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું ધરી દીધું છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે, તેઓ બપોરના ભોજન બાદ રાજ્યપાલને મળશે અને પોતાનું રાજીનામું સોંપશે. આજે કર્ણાટકમાં ભાજપની સરકારને બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ કાર્યક્રમ દરમિયાન રાજીનામાની જાહેરાત કરતા તેમણે કહ્યું કે હું હમેશાં અગ્નિ પરીક્ષામાંથી પસાર થયો છું. હવે રાજકીય સવાલ એ છે કે રાજ્યની કમાન ભાજપ હાઈકમાન્ડ કોંને સોપશે.

બી.એસ. યેદિયુરપ્પા દ્વારા રાજીનામાની જાહેરાત બાદ દિલ્હીમાં પણ હલચલ તેજ થઈ છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કર્ણાટક પ્રભારી અરૂણ સિંહ સાથે ચર્ચા કરી હતી. એવું માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં જ ઓબ્ઝર્વરના નામની જાહેરાત કરવામાં આવશે અને ત્યાર બાદ મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવશે. 

રવિવાર સુધીમાં, આગામી મુખ્ય પ્રધાન તરીકે ત્રણ નામ સામે આવ્યા છે જેમાં પ્રથમ નામ બસવરાજ બોમ્માઇ છે, જે લિંગાયત સમુદાયમાંથી આવે છે અને હાલમાં કર્ણાટક સરકારમાં ગૃહ પ્રધાન અને સાથે સંસદીય કાર્યમંત્રી છે. બીજું નામ વિશ્વેશ્વર હેગડે કગેરીનું છે, જે બ્રાહ્મણ છે અને કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ છે. ત્રીજું નામ કેન્દ્રીય કોલસાની ખાણકામ મંત્રી અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી છે.

2008 માં યેદિયુરપ્પા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીત અપાવ્યા પછી મુખ્યપ્રધાન બન્યા હતા. જે દક્ષિણ ભારતના રાજ્યમાં ભાજપ માટે પ્રથમ છે. 2011 માં તેમણે ભ્રષ્ટાચારના કેસમાં દોષી ઠેરવ્યા બાદ રાજીનામું આપ્યું હતું અને 2016માં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતાં.

નોંધનીય છે કે, યેદિયુરપ્પા 16 જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યા હતા. અચાનક થયેલી આ મુલાકાતના પગલે યેદિયુરપ્પાના રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું હતું. એ પછી તેમણે ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.

 18 ,  1