ભારે વરસાદને પગલે મુંબઇમાં યલો અને રેડ એલર્ટ જારી….

આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી

છેલ્લા ચોવીસ કલાકમાં મહારાષ્ટ્ર-મુંબઈમાં વરસાદે માજા મૂકી છે .અગિયાર ઇંચ કરતા પણ વધુ વરસાદ વરસી ચુક્યો છે .મહારાષ્ટ્રમાં વરસાદના આગમન બાદ બુધવારે મહાનગર મુંબઇમાં વરસાદે મહેર મુકી હતી. જેના લીધે મુંબઇના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જોકે, ભારે વરસાદથી સમસ્યાનો સામનો કરી રહેલા મુંબઇ માટે આગામી દિવસો પણ કપરા રહે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ ,ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે મુંબઇ માટે બુધવારે રેડ એલર્ટ અને આગામી ચાર દિવસ માટે યેલો એલર્ટ જારી કર્યું છે. જે મુજબ મુંબઇમાં આગામી ચાર દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે મુંબઇ સહિત કોંકણ કિન્નરપટ્ટીના કેટલાક જિલ્લાઓ માટે પણ યલો અને રેડ એલર્ટ જારી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ,રેડ એલર્ટ દર્શાવે છે કે ,જે-તે વિસ્તારમાં અતિ ભારે વરસાદની સંભાવના રહી છે અને પ્રશાસને તેની સામે જરુરી પગલા લેવા પડશે. જ્યારે યલો એલર્ટ પર પ્રશાસને પરિસ્થિતિ માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે ,ભારે વરસાદને લીધે દેશની આર્થિક રાજધાની મુંબઇનું જન જીવન પ્રભાવિત થયું છે.ભારે વરસાદને કારણે હાલાકીનો સામનો કરી રહેલા મુંબઇના અનેક વિસ્તારોમાં મોટાભાગની સેવાઓ પણ ઠપ થઇ ગઇ છે.

આ હાલની પરિસ્થિતિને જોતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ,પ્રશાસનને વહેલી તકે ભરાયેલા પાણીના નિકાલની વ્યવસ્થા કરવાના આદેશ આપ્યા છે. આ સાથે મુખ્યમંત્રી ઠાકરેએ થાણે, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ અને પાલઘર જિલ્લાના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી.

 61 ,  1