‘ગુજરાતમાં તમે લોકોએ જ ઓવૈસીને બોલાવ્યા..’ નીતિન પટેલના કટાક્ષ પર ખેડાવાલાનો જવાબ

 આજે નવા અંગ્રેજોનું શાસન આવ્યું – અમિત ચાવડા

ગુજરાત વિધાનસભામાં ગુરૂવારે ગૃહ વિભાગના બજેટની ચર્ચા દરમિયાન વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો કર્યો હતો. આ હોબાળો કર્યા બાદ કોંગ્રેસના સભ્યોએ સુત્રોચ્ચાર કરતાં કરતાં વોકઆઉટ કર્ય હતો. કોંગ્રેસના ધારાસભ્યો કરી રહ્યા હતા તેમાં જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા છેલ્લા હતા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલે હસતાં હસતાં કહ્યું કે, ખેડાવાલા બહાર જાવ નહીં તો ઓવૈસીને બોલાવું છું.

નીતિન પટેલે  વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને સંબોધીને આ વાત કરીને કહ્યું હતું કે, મેં ખેડાવાલાને કહ્યું છે કે તમે ગૃહની  બહાર જાવ નહીં તો હું ઓવૈસીને બોલાવું છું એટલે તરત જ બહાર ભાગ્યા. આ સાંભળીને ઈમરાન ખેડાવાલા તરત જ પાછા ફર્યા હતા. તેમણે હાજરજવાબીપણું બતાવીને  જવાબ આપ્યો હતો કે, ગુજરાતમાં તમે લોકોએ જ ઓવૈસીને બોલાવ્યા છે.

ખેડાવાલાનો જવાબ સાંભળીને સૌ હસી પડ્યા હતા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જમાલપુર-ખાડિયા વોર્ડમાં ઓવૈસીની પાર્ટીના કારણે કોંગ્રેસની હાર થઈ એ સંદર્ભમાં નીતિન પટેલે કટાક્ષ કર્યો હતો. 

ભાજપ રાજમાં આજે પણ અસંખ્ય વિસ્તારો ગુંડાઓના નામે ઓળખાય છે : અમિત ચાવડા

ગુજરાતમાં ભાજપના નેતાઓ કહેતાં હોય છે કે, અમદાવાદ લતીફના નામે ઓળખાય છે પરંતુ આ જ ભાજપની સરકારને પૂછવું છે કે, શહેરા કોના નામે ઓળખાય છે? વાઘોડિયા કોના નામે ઓળખાય છે? દ્વારકા કોના નામે ઓળખાય છે, પોરબંદર કોના નામે ઓળખાય છે? ગોંડલ અને કુતિયાણા કોના નામે ઓળખાય છે? ભાજપ રાજમાં આજે પણ અસંખ્ય વિસ્તારો ગુંડાઓના નામે ઓળખાય છે તે મતલબના આક્ષેપ સાથે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગુરુવારે ગુજરાત વિધાનસભામાં ગૃહ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં જણાવ્યું હતું કે, આજે નવા અંગ્રેજોનું શાસન આવ્યું છે, કોઈ રોજગારી, મોંઘવારીની વાત ન કરી શકે, કોઈ ખેડૂત આંદોલન ન કરી શકે, તેમાં પોલીસનો દુરુપયોગ થાય છે. કોરોનાની શરૂઆત થઈ ત્યારે અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ કર્યો, લાખો લોકોને ભેગા કર્યા અને લોકોને કોરોનામાં ધકેલવાનું કામ કર્યું અને આજે એ જ રીતે ટી-૨૦ના નામે ફરી પાછા ત્યાં લાખો લોકોને ભેગા કર્યા છે. ચાવડાનું વકતવ્ય પૂરું થતાં જ કોંગ્રેસે ગૃહમાં દેકારો મચાવી ભાજપ તેરી ગુંડાગીરી, નહિ ચલેંગી, નહિ ચલેંગીના નારા સાથે વેલમાં ધસી આવી વોકઆઉટ કર્યો હતો.

 66 ,  1