પેટ્રોલપંપ પર યુવકની આત્મહત્યાનો મામલો- પૂર્વ કોર્પોરેટર જીતુ રાણાના આગોતરા જામીન રદ

મૃત્યુ પામનારનું ડીડી જોતા આરોપી સામે પ્રથમદર્શિય કેસ બને છે- કોર્ટનું અવલોકન

ભાજપના પૂર્વ કોર્પોરેટર જીતુ રાણાના ત્રાસથી તેમના જ પેટ્રોલ પંપ પર જાતે સળગી જઈ યુવકે આપઘાત કરી લીધો હતો. આ કેસમાં ધરપકડથી બચવા માટે જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ રાણાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. જો કે, સેશન્સ કોર્ટના જજ પી.એન.રાવલે આરોપીની જામીન અરજી ફગાવી દેતા નોંધ્યું હતું કે, આ કેસમાં તપાસ હજુ ચાલી રહી છે, આરોપી સામે મરનારે ડીડી નોંધાવ્યું છે જેમાં આરોપીનું નામ છે આરોપી સામે પ્રથમદર્શિય કેસ બને છે અને આખાય કેસના પેપર જોતા આરપીનું ઇનવોલમેન્ટ છે ત્યારે આવા કેસમાં આગોતરા જામીન ન આપી શકાય.

પેટ્રોલપંપ પર યુવકની આત્મહત્યા કેસમાં ફરિયાદ નોંધાયા બાદ પૂર્વ કોર્પોરેટર જીતેન્દ્ર રાણાએ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં તેમના એડવોકેટે એવી રજૂઆત કરી હતી કે, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, કેસમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હાજરી છે નહીં, તેઓ પૂર્વ કોર્પોરેટર છે અને રાજકારણમાં આગળ પડતા છે, સમાજમાં પણ આગળ પડતુ નામ છે, આરોપી નંબર 2 ભાડુ લેવા ગયા હતા ત્યારે માથાકુટ થઇ હતી, આખોય કેસ બન્યો ત્યારે જીતેન્દ્રભાઇની કોઇ હાજરી નથી. કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છીએ તેથી જામીન આપવા જોઇએ.

જો કે, મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે એવી દલીલ કરી હતી કે, મૃત્યુ પહેલાં મૃતકે ડીડી નોંધાવ્યું છે, જેમાં જીતેન્દ્રના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આરોપી વગદાર છે અને કેસની તપાસ હાલ ચાલી રહી છે, જેમાં આરોપીની હાજરીની જરીર છે, આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરવામાં આવે તો તપાસ પર અસર પડે તેમ છે ઉપરાંત સાક્ષીઓ ફોડે તેવી પણ શક્યતા છે ત્યારે આવા કેસમાં આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરી શકાય નહીં. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવી દીધા છે.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર